ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્ષના બેજમેન્ટમાં આજે સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.હોસ્પિટલ, લેબોરેટરી, મેડિકલ સ્ટોર ધરાવતા કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટે ગોટા બિલ્ડીંગમાં છવાઈ જતા પહેલા માળે આવેલા બાળકોના હોસ્પિટલમા એડમીટ પાંચ બાળક સહિત 25 લોકોને હોસ્પિટલની બારી તોડી રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા.સદનસીબે જાનહાની ટળી હતી.પરંતુ પાર્કીંગમાં પાર્ક ચાર કાર,પાંચ બાઈક આગની ચપેટમાં આવી જતા બળીને ખાક થઈ જવા પામ્યા હતા.
હોસ્પિટલમાંથી દર્દીઓને બચાવી લેવાયા
આગના બનાવને લઈ મેયર, કમીશનર, ડીવાયએસપી, રાજકીય આગેવાનો સહિતના મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. જ્યારે ફાયરના પાંચ ફાયટરે ઘટના સ્થળ પર દોડી આવી આગને કાબુમાં લીધી હતી. જ્યારે બિલ્ડીગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા. આગજનીની જાણ ફાયર સ્ટેશન કરાતા ચિફ ફાયર ઓફિસર, ફાયર સ્ટાફ ફાયરના પાંચ ફાયટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ધુમાડાના ગોટાને લઈ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી ડો. પ્રકાશ વાઘેલાની નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એડમીટ પાંચ બાળકને તેમજ અન્ય 25 જેટલા લોકો કોમ્પ્લેક્ષમાં ફસાઈ જતા તેને હોસ્પિટલની બારી તોડી સીડીની મદદથી ફાયર ટીમ અને હોસ્પિટલના સ્ટાફે રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા હતા. હોસ્પિટલમાંથી રેસ્ક્યુ કરાયેલા પાંચ બાળક સહિત ૧૦ લોકોને ભાવનગર સર.ટી. હોસ્પિટલ જ્યારે અન્ય બે લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આગજનીની જાણ થતા શહેરના પ્રથમ નાગરીક મેયર, મ્યુનિ. કમીશનર, સિટી ડીવાયએસપી, ભાજપ- કોંગ્રેસના શહેર પ્રમુખ સહીતના આગેવાનો, અગણીઓ દોડી આવ્યા હતા.
આગજનીને લઈ રસ્તા ડાઈવર્ટ કરાયા, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: ડીવાયએસપી
શહેરના કાળુભા રોડ પર આજે સવારે કોમ્પ્લેક્ષમાં આગજનીનો બનાવ બનતા દુર દુર સુધી કાળા ડીબાંગ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા. જ્યારે સીટી ડિવાયએસપી સહિતનો મસમોટો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ. પર દોડી આવ્યો હતો. ઉક્ત ઘટના અનુસંધાને ડીવાયએસપી સિંધાલે જણાવ્યુ હતું કે, તેઓએ આગની ઘટનાનો મેસેજ મળતા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને લોકોના ટોળાને કોમ્પ્લેક્ષથી દુર કરી દઈ રોડને ડાઈવર્ટ કર્યો હતો. આગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. જો કે, ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હોવાનું જણાવ્યુ હતું. જ્યારે ઘટનાને લઈ એસપી, કમીશનર, કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
યુધ્ધના ધોરણે ફાયર ટીમે કામગીરી કરી પાંચ બાળકોને બચાવી લીધા: મેયર
સમીપ કોમ્પ્લેક્ષના બેજમેન્ટમાં રહેલા કચરાના ઢગલામાં આગ લાગ્યા બાદ આગ પ્રસરી જતા નવ વાહન બળીને ખાક થઈ જવા પામ્યા હતા. જેને લઈ મેયર ભરત બારડ સહિતના પદાધિકારી, અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ઉક્ત મામલે મેયરે જણાવ્યુ હતું કે, આગની જાણ થતા મહાનગર પાલિકાના ફાયર ફાયટર ગણતરીના સમયમાં પહોચી ગયા હતા અને યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હોસ્પિટલમાં ફસાયેલા પાંચ બાળકોને કાચની બારી તોડી રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. અને તમામ બાળકોને ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આગજનીની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી - કલેક્ટર મનીષ બંસલ
કાળુભાર રોડ પરના સમીપ કોમ્પ્લેક્સના બેજમેન્ટમાં આજે સવારે નવ વાગ્યા આસપાસ આગજનીની ઘટના ઘટવા પામી હતી. સમીય કોમ્પ્લેક્ષમાં ૧૦થી ૧૫ હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, લેબોરેટરી સહિત અનેક દુકાનો આવેલી છે. ત્યારે કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવારમાં રહેલા પાંચ બાળકો અને અન્ય ૨૦ જેટલા લોકોને હોસ્પિટલના કાચ તોડી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યારે અત્યારે કોઈને ઈજા કે કોઈ કેજ્યુઅલ્ટી નથી. ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, પોલીસ અને સ્થાનિક લોકોના સહયોગથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
૯.૪૩ મિનીટે કોલ મળ્યો અને માત્ર સાત મિનીટમાં સ્ટાફ પહોંચી ગયો: ફાયર ઓફિસર
ભાવનગર શહેરના કાળુભા રોડ પરના સમીપ કોમ્પ્લેક્ષમાં આગ લાગ્યાનો કોલ આજે સવારે ૯.૪૩ મિનીટે મળતા ફાયર વિભાગની જુદી જુદી ટીમ પાંચ ફાયર ફાયટર અને બે એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર માત્ર સાત મિનીટના સમયમાં પહોંચી ગઈ હતી. બેજમેન્ટમાં લાગેલી વિકરાળ આગ બિલ્ડીગમાં પ્રસરે તે પુર્વે કામગીરી હાથ ધરી ઠારી દેવામાં આવી હતી. અને ધુમાડા બિલ્ડીગમાં પ્રસરી જતા પ્રથમ માળે આવેલી બાળકોની હોસ્પિટલમાંથી પાંચ બાળકો સહિત ૨૫ જેટલા લોકોને રેસ્ક્યુ કરી હોસ્પિટલની બારી તોડી સીડીની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા
સાત બાળક સહિત ૧૨ લોકોને સારવાર અર્થે હોસ્પટલ ખસેડાયા
કાળુભા રોડના સમીત કોમ્પ્લેક્ષના બેજમેન્ટમાં આગજનીની ઘટના ઘટતા કોમ્પલેક્ષના પહેલા માળે આવેલા ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાત બાળકો પૈકી મિલન જાદવ,છત્રપાલસિંહ,સકીના,મૈત્રી,પુનમ સહિત સાત બાળકનું રેસ્ક્યુ કરી જીવીત બહાર કાઢવામાં આવ્યા હતા.જે પૈકી મૈત્રી અને પુનમને હનુમંત હોસ્પિટલમાં જ્યારે અન્ય પાંચને ભાવનગર સર.ટી.હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે અન્ય કોમ્પ્લેક્ષમાં રહેલા મયુરભાઈ બાંભણીયા, માયાબેન કમલેશભાઈ ડોડીયા,સોનલબેન મેહુલભાઈ માલડિયા,હંસાબેન અનંતરાય ત્રિવેદી અને દશુબેન દેવશીભાઈ કોળીનું રેસ્ક્યુ કરી કોમ્પ્લેક્ષમાંથી સીડીની મદદથી બહાર કાઢી સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમીત કોમ્પલેક્ષને ૨૦૦૭માં બાંધકામ મંજુરી અપાઈ હતી
ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા સમીત કોમ્પ્લેક્ષમાં આજે સવારના અરસા દરમિયાન બેજમેન્ટમાં આગ ભભૂકી ઉઠતા ૧૪ વાહનો બળીને ખાક થઈ જવા પામ્યા હતા. જ્યારે બાળકો સહિત ૨૫ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. જે કોમ્પ્લેક્ષમાં આગ લાગી તેને ભાવનર મહાનગર પાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્રારા તા. ૧૬.૦૧.૨૦૦૭ના રોજ બાંધકામની મંજુરી આપવામાં આવી હતી અને બાંધકામ પુર્ણ થયા બાદ બી.યુ. પરમીશન તા. ૨૯.૦૩. ૨૦૦૮ના રોજ આપવામાં આવ્યુ હતું. જ્યારે સમીપ કોમ્પ્લેક્ષની ફાયર સેફ્ટી સર્ટીફિકેટ (ફાયર એન.ઓ.સી) ચાલુ અને ફાયર સિસ્ટમ કાર્યરત હોવાનું ચિફ ફાયર ઓફિસરે જણાવ્યુ.
આ પણ વાંચોઃ Bhavnagar સમીપ કોમ્પ્લેક્ષની આગને લઇને મોટો ખુલાસો, પાર્કિંગમાં લાગેલી આગ મોટર સુધી પહોંચતા સમગ્ર ફાયર સિસ્ટમ નિષ્ક્રિય