ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં જૂની અદાવતને લઈને ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં આઠ જેટલા શખ્સોએ એક યુવક પર હથીયારો વડે હુમલો કર્યો હતો અને તેના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો.
કુંભારવાડામાં યુવક પર હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંજયભાઈ બટુકભાઈ મેર નામના યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાનું કારણ જૂની બાબતની અદાવત હોવાનું સામે આવ્યું છે. થોડા સમય અગાઉ કુંભારવાડાના ચમનભાઈ ચુડાસમા અને ભાવેશભાઈ મકવાણા વચ્ચે ગાડી કાઢવાના મામલે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ દરમિયાન ઇજાગ્રસ્ત સંજયભાઈ મેર ચમનભાઈ ચુડાસમાની મદદે વચ્ચે પડ્યા હતા.
ગાડી કાઢવા મુદ્દેની બબાલની અદાવતમાં હુમલો
આ વાતની દાઝ રાખીને, ભાવેશભાઈ મકવાણા અને તેના સાતથી આઠ જેટલા સાગરીતોએ સંજયભાઈ મેર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ શખ્સોએ સંજયભાઈને હથીયારો વડે માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. આ ઉપરાંત, હુમલાખોરોએ ચમનભાઈ ચુડાસમાના ઘર પર પણ જોરદાર પથ્થરમારો કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
બોરતળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી
હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સંજયભાઈ મેરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન લીધું હતું. પોલીસે આઠ જેટલા હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલાને કારણે કુંભારવાડા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: અડાજણમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હની પાર્ક પાસે બે જૂથ વચ્ચે મારામારી