સુરતના અડાજણ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. તાજેતરમાં જ, અડાજણના હની પાર્ક વિસ્તાર પાસે બે જૂથ વચ્ચે મારામારીની ગંભીર ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.


અડાજણમાં અસામાજિક તત્વોનો આતંક

પ્રાપ્ત માહિતી મુજબ, હની પાર્ક નજીકના જાહેર રસ્તા પર બે જૂથના યુવકો કોઈ જૂની બાબતને લઈને ઉગ્ર બોલાચાલી બાદ સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષોએ એકબીજા સાથે મારામારી શરૂ કરી દીધી હતી. કેટલાક યુવકો ભેગા મળીને જાહેર માર્ગ પર જ હિંસક રીતે ઝઘડી રહ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ સમગ્ર મારામારીની ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ યુવકો કોઈ પણ ડર વગર જાહેરમાં કાયદાનો ભંગ કરીને હિંસા આચરી રહ્યા છે.

હની પાર્ક પાસે બે જૂથ વચ્ચે મારામારી

અડાજણ વિસ્તારમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર બનતી રહે છે, જેના કારણે સ્થાનિકો અસામાજિક તત્ત્વોથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પાસે આ અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અને વિસ્તારમાં શાંતિ જાળવવાની માંગ કરી છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મારામારી કરનારા યુવકોની ઓળખ કરવાની અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પર ભાર મૂક્યો છે.

 આ પણ વાંચો:  સગીરાને દેહવ્યાપારમાં ધકેલવાનું કૌભાંડ, આશરો આપનાર દંપતી સહિત 4 ઝડપાયા


  • Follow us on: