સુરતના લાલગેટ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 17 વર્ષની એક સગીરાને આશરો આપનાર દંપતીએ જ તેને દેહવ્યાપારના ગંદા ધંધામાં ધકેલી દીધી હતી. આ અંગે સગીરાએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવતા લાલગેટ પોલીસે તુરંત કાર્યવાહી કરી દંપતી સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.


સુરતમાં સગીરા દેહ વ્યાપારમાં ધકેલાઇ

પ્રાપ્ત માહિતી મુજબ, લાલગેટ વિસ્તારમાં રહેતા એક દંપતીએ 17 વર્ષની સગીરાને આશરો આપ્યો હતો, પરંતુ આ આશરો એક ષડયંત્રનો ભાગ હતો. આ દંપતીએ સગીરાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેને જબરદસ્તીથી દેહવ્યાપારના દલદલમાં ધકેલી દીધી હતી. સગીરા પર થતા અત્યાચાર અને આર્થિક શોષણથી કંટાળીને આખરે તેણે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. સગીરાની ફરિયાદના આધારે, લાલગેટ પોલીસે તત્કાળ તપાસ હાથ ધરી હતી અને કૌભાંડ આચરનાર દંપતી તેમજ આ કૃત્યમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે દંપતિ સહિત 4ની ધરપકડ કરી

પોલીસે જણાવ્યું હતું કે આ દંપતી એક સુયોજિત કાવતરા હેઠળ સગીરાને ફસાવીને આ ધંધામાં લાવ્યું હતું. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરી અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાએ શહેરમાં સગીરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે અને પોલીસ દ્વારા આ પ્રકારના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા અન્ય તત્વોને પણ ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સહારા દરવાજા બ્રિજ પર BRTS બસનો અકસ્માત, મોટી દુર્ઘટના ટળી

  • Follow us on: