સુરતના વ્યસ્ત એવા સહારા દરવાજા વિસ્તારમાં રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર આજે બપોરે BRTS બસનો ગંભીર અકસ્માત સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, અને એક મોટો અકસ્માત થતા ટળી ગયો હતો.
સુરતના સહારા દરવાજા બ્રિજ પર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, BRTS બસ રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પરથી નીચે સહારા દરવાજા તરફ ઉતરી રહી હતી. તે જ સમયે ડ્રાઈવરે કોઈક કારણોસર બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, અને બસ ધડાકાભેર બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બ્રિજની લોખંડની રેલિંગનો કેટલોક ભાગ તૂટીને ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માતની તીવ્રતા જોતા, બસ રેલિંગ તોડીને બ્રિજ પરથી નીચે પણ પડી શકી હોત, જે એક મોટી જાનહાનિનું કારણ બની શકી હોત. જોકે, સમયસર બસ થંભી જતા અને રેલિંગના સહારે બસ અટકી જતા એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.










