ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિકીકરણ તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. ૫૦૯.૨૩ કરોડના વિવિધ વિકાસ કામો, જેમાં રૂ. ૧૪૦.૮૩ કરોડના ખર્ચે ૩૫ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા રૂ. ૩૬૮.૪૦ કરોડના ખર્ચે ૧ વિકાસ કાર્યનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીમાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે અત્યાધુનિક ડેપોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે
આ પ્રોજેક્ટ અંતર્ગત અધેવાડા ખાતે બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે અત્યાધુનિક ડેપોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ યોજનાના ફેઝ-૨ અંતર્ગત ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરનાર ભાવનગર મહાનગરપાલિકા ગુજરાતનું સૌપ્રથમ શહેર બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી રહ્યું છે. શહેરને મળેલ નવી બસો ભાવનગરની લાઇફલાઇન બનશે. નાયબ મુખ્યમંત્રીએ ભાવનગરના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આભાર વ્યક્તકર્તા વધુમાં જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં એ.સી.બસો નાગરિકોને શીતળતા આપશે તેમજ તકલીફ પાડવા દેશે નહીં. ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અભિનંદન પાઠવ્યા હતા.
યુ.એસ. સાથે સફળ ટ્રેડડીલ થવાથી હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને સીધો ફાયદો થવાનો છે.
બસોને તથા ભાવનગરને સ્વરછ રાખવા તેમજ દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તેઓ સંકલ્પ કરવા જણાવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે, નવી બસ સેવા શરૂ થવાથી સામાન્ય નાગરિકોને દૈનિક મુસાફરીમાં વધુ સુવિધા અને સરળતા મળશે. જાહેર પરિવહન સુવ્યવસ્થિત બનવાથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ રજૂ થયેલું બજેટ ‘વિકસિત ભારત 2047’ ના માર્ગ પર દેશને આગળ ધપાવતું વિઝનરી બજેટ છે. “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્ર સાથે દરેક વર્ગને સ્પર્શતું અને સામાન્ય નાગરિકને મુખ્ય પ્રવાહમાં લાવવાનું આદર્શ બજેટ રજૂ થયું છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનો રોલ મોડલ બની રહ્યું છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમને રાજ્યમાં વિકાસના નવા આયામો સર કરવા બદલ તેમણે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
ભાવનગરમાં આધુનિક ઈ-બસ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે
આ તકે કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે PM e-Bus Sewa યોજના હેઠળ રૂ. ૧૮.૨૪ કરોડના ખર્ચે સિવિલ તથા ઈલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે તેમજ અંદાજિત રૂ. ૩૫૦ કરોડનો ખર્ચ (૧૨ વર્ષ માટે ૫૦ બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે) થશે. કેન્દ્ર સરકારશ્રી તરફથી ૧૨ વર્ષ દરમિયાન રૂ. ૧૦૩ કરોડની ગ્રાન્ટ મળશે. વધુમાં જણાવ્યું હતું કે બસ ભાડાના દર નાગરિકોને પોસાય તેવા રાહતદરે નક્કી કરાયા છે. જેમાં ૫ કિ.મી. સુધીના ₹ ૧૦/- ના નજીવા દરે મુસાફરી કરી શકશે. વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી ભાવનગરમાં આધુનિક ઈ-બસ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભાવનગર સહિતના આસપાસના ગામડાઓને આવરી લેશે એ મુજબ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે
આ તકે ઉર્જા રાજ્યમંત્રી અને ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક ભાઈ વેકરીયા એ જણાવ્યું હતું કે નવી ઈ બસો શરૂ થવાથી કુલ ૧૭ રૂટ દ્વારા શહેરના આંતરિક વિસ્તાર (૯ અર્બન રૂટ) તથા આસપાસના ૧૫ કિ.મી. સુધીના ગ્રામ્ય વિસ્તાર (૮ સબ-અર્બન રૂટ)ને જોડશે. શરૂઆતમાં ૫૦ ઈલેક્ટ્રિક બસો સાથે ૮ રૂટ પર સીટી બસ સેવા શરૂ થશે. આ યોજનાથી આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને મજૂરોને શહેરમાં આવવા-જવા માટે સસ્તી અને સુરક્ષિત પરિવહન સુવિધા મળશે. અંદાજે ૩૦૦૦થી વધુ નાગરિકો દરરોજ આ સેવાનો લાભ લેશે. આ ઇકો-ફ્રેન્ડલી પરિવહન સેવા દ્વારા શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થશે, હવાની ગુણવત્તા સુધરશે તેમજ ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
કોમ્પિટિશનના વિજેતાને ચેક વિતરણ કરાયા
પી.એમ. ઈ બસ સેવા અંતર્ગત લોગો કોમ્પિટિશનના વિજેતાને ચેક વિતરણ તથા ભાગ લેનારાઓને અને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરાયા હતા. આ તકે મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વે સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Bhavnagar News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરાયું