ભાવનગર શહેરમાં ચોમાસા દરમિયાન વીજ લાઇન ટૂટી પડવાની કે શોર્ટ સર્કિટ થવાની ઘટનાઓ નિવારવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા પ્રી-મોન્સૂન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આવતીકાલથી શહેરમાં સત્તાવાર રીતે ૩ દિવસ સુધી અલગ-અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પીજીવીસીએલના જણાવ્યા મુજબ, જૂની લાઈનોની મરામત, જોખમી ઝાડના ડાળખાં કટીંગ અને ટ્રાન્સફોર્મરના મેઇન્ટેનન્સ માટે દરરોજ સવારે 6:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી (7 કલાક) પાવર સપ્લાય બંધ રહેશે.


ગરમીના દિવસોમાં તંત્રના ટાઇમિંગથી જનતા પરેશાન

હાલમાં ઉનાળાની ઋતુના આખરી દિવસો ચાલી રહ્યા છે અને તાપમાનનો પારો ઊંચો હોવાથી અસહ્ય ઉકળાટ અને ગરમી પડી રહી છે. આવા કાળઝાળ વાતાવરણમાં સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી વીજળી ગુલ થઈ જવાની જાહેરાતથી નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે જ્યારે ઘરોમાં નાના બાળકો અને વૃદ્ધોને પંખા કે એસીની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ 7 કલાક સુધી વીજળી ન હોવાના કારણે લોકો ગરમીમાં અકળાઈ ઉઠશે. આ ઉપરાંત ઓનલાઇન કામ કરતા પ્રોફેશનલ્સ અને સ્થાનિક વેપારીઓનું કામકાજ પણ પ્રભાવિત થશે.

રહીશોને પાણી-મોટર ચલાવવા અગાઉથી આયોજનની સલાહ

વીજ કંપનીના આ અચાનક વીજકાપના કારણે સવારના સમયે પાણી ખેંચવાની મોટરો ચાલુ થઈ શકશે નહીં, જેના લીધે અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ શકે છે. સ્થાનિક કાઉન્સિલરો અને સામાજિક અગ્રણીઓએ નાગરિકોને અપીલ કરી છે કે વીજકાપના સમયને ધ્યાનમાં રાખીને પાણી ભરવા તેમજ અન્ય ઇલેક્ટ્રિક કાર્યોનું આયોજન વહેલી સવારે અથવા આગલી રાત્રે જ પૂર્ણ કરી લેવું, જેથી કોઈ અગવડતા ન પડે.

આ પણ વાંચો: Banaskantha: વાવ-થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો, વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાતાં ખેડૂતોમાં ચિંતા

  • Follow us on: