ભાવનગર શહેરમાં સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા બેફામ રીતે વાહનો ચલાવવાને કારણે અવારનવાર સર્જાતા અકસ્માતોને રોકવા માટે સ્થાનિક આરટીઓ પ્રશાસન કડક બન્યું છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે ભાવનગર આરટીઓ વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા આજે સતત બીજા દિવસે પણ કાળિયાબીડ જેવા ભરચક રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સવારના સમયે શાળા અને કોલેજ જતા તેમજ બપોરે છૂટતા વિદ્યાર્થીઓના વાહનોને અટકાવીને તેમના ડ્રાઇવિંગ લાયસન્સ, હેલ્મેટ અને વાહનના જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
સગીરોના વાહન ચલાવવા બદલ વાલીઓ પણ સકંજામાં આવશે
આરટીઓ ચેકિંગ દરમિયાન સામે આવ્યું હતું કે, અનેક સ્કૂલના સગીર વયના વિદ્યાર્થીઓ (18 વર્ષથી ઓછી ઉંમરના) ગિયરવાળા બાઇક અને એક્ટિવા જેવા વાહનો લઈને બિન્ધાસ્ત ઘૂમી રહ્યા હતા, જેમની પાસે સત્તાવાર લાયસન્સ ન હતું. આરટીઓ તંત્રએ આવા કાયદાનો ભંગ કરનારા કુલ ૨૨ વાહનચાલકો સામે આરટીઓ એક્ટ હેઠળ ગુનો નોંધી કેસ કર્યા છે. આ ૨૨ કેસ અંતર્ગત અંદાજે રૂપિયા 1.20 લાખ જેટલો માતબર દંડ વસૂલવામાં આવ્યો છે. આરટીઓ અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટર વહીકલ એક્ટના નવા નિયમો અનુસાર જો સગીર બાળક વાહન ચલાવતા પકડાશે, તો તેના વાલી સામે પણ કાયદેસરના પગલાં લેવાની જોગવાઈ છે, જેથી વાલીઓએ જાગૃત થવાની તાતી જરૂર છે.










