બનાસકાંઠા જિલ્લાના સરહદી અને રણ સરહદે આવેલા સુઈગામ, વાવ અને થરાદ પંથકમાં દર ઉનાળે પાણીની ભારે વિકટ સમસ્યા સર્જાતી હોય છે. આ વર્ષે પણ છેલ્લા એક મહિનાથી આ સરહદી ગામોમાં પીવાના પાણીની રાડ બૂમ પડી રહી છે. સ્થાનિક રહીશોને પૂરતું પાણી ન મળવા પાછળ મુખ્ય પાઇપલાઇનમાંથી થતી પાણીની ચોરી જવાબદાર હોવાની વિગતો ઉચ્ચ કક્ષાએ પહોંચી હતી. જેને પગલે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ કાફલા સાથે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી પડી હતી અને પાણી ચોરો સામે લાલ આંખ કરી હતી.
6થી વધુ ગામોમાં સપાટો, 25થી વધુ જોડાણો કટ
પાણી પુરવઠા વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા સુઈગામ પંથકના સરહદી એવા નવાપુરા, મોતીપુરા, બેણપ, નેસડા, ગોલપ અને કાણોઠી સહિતના ગામોની સીમમાંથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, અનેક લોકોએ મુખ્ય લાઇન પંચ કરીને (કાણું પાડીને) પોતાના વ્યક્તિગત વપરાશ કે ખેતી માટે ગેરકાયદેસર કનેક્શનો લઈ લીધા હતા. આના કારણે લાઇનના છેવાડે આવેલા ગામો સુધી પાણીનું પ્રેશર પહોંચતું ન હતું. તંત્રએ તાત્કાલિક જેસીબી અને ટેકનિકલ સ્ટાફની મદદથી ૨૫થી વધુ કનેક્શનો સ્થળ પર જ કાપી નાખ્યા હતા.










