ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ૨૮ માર્ચની રાત્રે એક ભયાનક ખૂની ખેલ ખેલાયો હતો. રબારીના નેસમાં રહેતા ૨૯ વર્ષીય યુવક રવિભાઈ ઉર્ફે લાલાભાઈ અનિલભાઈ કળોતરાની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં વરતેજ પોલીસે ઝડપી કાર્યવાહી કરી ત્રણ શખ્સોને દબોચી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

પ્રેમલગ્ન બન્યા મોતનું કારણ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળનું મુખ્ય કારણ 'પ્રેમલગ્ન' છે. મૃતક રવિ રબારીએ વર્ષ ૨૦૨૪માં અમદાવાદના મુન્ના બલ્યાની દીકરી જાનવી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતીય લગ્ન મુન્ના બલ્યાને મંજૂર ન હતા. 'ઈજ્જત પર હાથ નાખ્યો છે' તેમ કહી અગાઉ પણ ધમકી આપવામાં આવી હતી. અંતે ૨૮ માર્ચની રાત્રે જ્યારે રવિ બાઈક લઈને બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂર્વ આયોજિત કાવતરા મુજબ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ

મૃતકના માતા ધનીબેનની ફરિયાદના આધારે વરતેજ પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સિહોરના હરેશ ઉર્ફે હરી આલ, કિશોર ઉર્ફે કિશન ચૌહાણ અને રોહિત શિહોરા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ૭ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે ૩ એપ્રિલ બપોરે ૧ વાગ્યા સુધીના (૪ દિવસના) રિમાન્ડ મંજૂર કર્યા છે.

મુખ્ય સૂત્રધાર હજુ ફરાર

હત્યાનો પ્લાન ઘડનાર મુખ્ય આરોપી મુન્ના પ્રફુલભાઈ બલ્યા (રહે. અમદાવાદ) હાલ ફરાર છે. પોલીસે તેને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી છે. રિમાન્ડ દરમિયાન પોલીસ હત્યામાં વપરાયેલા હથિયારો અને બાઈક કબજે કરવાની તજવીજ હાથ ધરશે. આ બનાવથી વાળુકડ પંથકમાં ભારે ગમગીની અને ચકચાર મચી જવા પામી છે.


આ પણ વાંચો----   Bhavnagar : મહુવાના નિવૃત્ત મામલતદાર સામે ACBનો સકંજો, મધ્યાહન ભોજનના સંચાલક પાસે 50,000ની લાંચ માંગતા ગુનો દાખલ