દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમના બનાવો વચ્ચે હૈદરાબાદ પોલીસે ભાવનગરમાં દરોડા પાડીને 'ડિજિટલ એરેસ્ટ' કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. આ શખ્સોએ હૈદરાબાદમાં રહેતા એક વૃદ્ધ દંપતીને ફોન કરી ડરાવી-ધમકાવીને ડિજિટલ એરેસ્ટ કર્યા હોવાનો ખોટો ખૌફ ઊભો કર્યો હતો. આ દરમિયાન દંપતી પાસેથી અંદાજે રૂ. 2 કરોડ જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી હતી. આ મામલે વૃદ્ધ દંપતીએ ગત 13 ડિસેમ્બરના રોજ હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસના તાર ગુજરાતના ભાવનગર સુધી પહોંચ્યા હતા.
સાયબર ક્રાઈમની મોટી સફળતા
હૈદરાબાદ પોલીસની એક સ્પેશિયલ ટીમ ભાવનગર દોડી આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી બંને શખ્સોને દબોચી લીધા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ બેંક ખાતાઓના હવાલા આપીને પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ટોળકી આંતરરાજ્ય સ્તરે સક્રિય હોવાની આશંકા છે અને તેમની પૂછપરછમાં અન્ય મોટા ખુલાસા થવાની સંભાવના છે. પોલીસે આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર હૈદરાબાદ લઈ જવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સાયબર ગુનેગારો હવે અજાણ્યા અને વૃદ્ધ લોકોને સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા શિકાર બનાવી રહ્યા છે.













