દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નિવાસસ્થાને ચોરી અને છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પૂર્વ પ્રમુખના ઘરે જઈને મંદિરમાં દાન આપવાની વાત કરી હતી. આ શખ્સોએ પહેલા ઘરમાં આવેલા મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ ઘરના સભ્યોને વિશ્વાસમાં લીધા હતા. ગઠિયાઓએ "તમારા રૂપિયા અને દાગીના પવિત્ર કરી આપીએ તો ઘરમાં સુખ-શાંતિ આવશે" તેવી માયાજાળ રચી હતી. પરિવારના સભ્યો તેમની વાતોમાં આવી જતાં, આ ઠગબાજો સોનાના દાગીના પડાવીને પલકવારમાં બાઇક પર ફરાર થઈ ગયા હતા.


મંદિરના દર્શન બાદ ખેલ ખેલ્યો

ઘટનાની જાણ થતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પૂર્વ પ્રમુખના ઘરમાં ઘૂસીને આ પ્રકારે દાગીનાની લૂંટ થતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બન્ને શખ્સો આયોજનબદ્ધ રીતે આવ્યા હતા અને દાનના બહાને રેકી કરીને આ ગુનાને અંજામ આપ્યો છે. હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને આરોપીઓનું પગેરું દબાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં અજાણ્યા વ્યક્તિઓને ઘરમાં પ્રવેશ આપતા પહેલા સાવધ રહેવાની લાલબત્તી ધરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : CTM ડબલ ડેકર બ્રિજ પરથી યુવકનો મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ, લોકોએ બચાવ્યો

  • Follow us on: