ભાવનગર શહેરમાં ટ્રાફિકથી ધમધમતા ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી સિટી બસે રસ્તો ઓળંગતા એક વૃદ્ધને જોરદાર ટક્કર મારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, વૃદ્ધને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.


રસ્તો ઓળંગતા સમયે કાળ બનીને આવી સિટી બસ

ઘટનાની મળતી માહિતી અનુસાર, ગંગાજળિયા તળાવ પાસે જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ સામાન્ય રીતે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી સિટી બસના ચાલકે તેમને અડફેટે લીધા હતા. બસની ટક્કર વાગતા જ વૃદ્ધ ફંગોળાઈને રસ્તા પર પડ્યા હતા અને લોહીલુહાણ થઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ વૃદ્ધને તાત્કાલિક વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર પોલીસે અકસ્માત સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને સિટી બસના ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં સિટી બસોની અનિયંત્રિત ઝડપ અને ડ્રાઈવિંગની બેદરકારી સામે અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી છે, ત્યારે આ અકસ્માતે ફરી એકવાર મુસાફરો અને રાહદારીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.


આ પણ વાંચો - Bhavnagar News : વ્યસનમુકિત અંગે પાલીતાણાના વડાળ ગામે મોટો નિર્ણય, દારુ પીતા પકડાશો તો થશે રુ. 5100નો દંડ


  • Follow us on: