ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન સર ટી. હોસ્પિટલ (સિવિલ) માં ફરજ બજાવતા ઇન્ટર્ન તબીબો દ્વારા હોસ્પિટલના નિયમોના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. હોસ્પિટલના અતિ સંવેદનશીલ એવા 'પેશન્ટ કેર એરિયા' (જ્યાં દર્દીઓની સારવાર ચાલતી હોય) માં રિલ્સ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર 15 ઇન્ટર્ન તબીબો વિરુદ્ધ મેડિકલ કોલેજના ડીન દ્વારા કડક તપાસ શરૂ કરવામાં આવી છે.
વોર્ડ અને પેશન્ટ એરિયામાં રિલ્સ ઉતારી
જાહેર જનતા માટે હોસ્પિટલ પરિસરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ હોય છે, ત્યારે જવાબદાર ગણાતા વર્ષ 2020ની બેચના 15 જેટલા ઇન્ટર્ન ડોક્ટરોએ જ આ નિયમોને નેવે મૂક્યા હતા. આ તબીબોએ હોસ્પિટલના વોર્ડ અને પેશન્ટ એરિયામાં રિલ્સ ઉતારી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોસ્પિટલ તંત્રની ગંભીરતા સામે સવાલો ઉઠ્યા હતા.










