ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ધોરણ 12 (HSC)ની બોર્ડની રીપીટ પરીક્ષામાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના નિરીક્ષકની સતર્કતાને કારણે ડમી વિદ્યાર્થી બેસાડવાનું આખું રેકેટ ખુલ્લું પડ્યું છે. આ મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શિક્ષકે જ ભજવી ડમીની ભૂમિકા
આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, જેણે શિક્ષણ આપવાનું હોય તેવા એક કરાર આધારિત શિક્ષકે જ ડમી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી હતી. ફરિયાદ મુજબ, રાહુલ જીતુભાઈ શિયાળ નામના વિદ્યાર્થીના બદલે ધાર્મિક ઢાપા નામના શિક્ષકે પરીક્ષા આપી હતી. ધાર્મિક ઢાપાએ પોતે વિદ્યાર્થી હોવાનું સ્થાપિત કરવા માટે ખોટા દસ્તાવેજો અને ઓળખનો ઉપયોગ કર્યો હતો.
સીસીટીવી અને ડોક્યુમેન્ટ્સથી ફૂટ્યો ભાંડો
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે27 ફેબ્રુઆરી માળીયા ગામની મધુમતી સ્કૂલમાં 'તત્વજ્ઞાન'નું પેપર ધાર્મિક ઢાપાએ આપ્યું હતું.13 માર્ચ જાફરી અને ફાતિમા સ્કૂલમાં 'ભૂગોળ'નું પેપર પણ આ જ રીતે આપવામાં આવ્યું હતું.જ્યારે DEO કચેરી દ્વારા સીટ નંબર, પરીક્ષાની રસીદ અને ખાસ કરીને CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે પરીક્ષા આપનાર વ્યક્તિ અસલ વિદ્યાર્થી નથી. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
પોલીસ તપાસ તેજ
મહુવા પોલીસે રાહુલ શિયાળ અને શિક્ષક ધાર્મિક ઢાપા વિરુદ્ધ છેતરપિંડી અને બોર્ડના નિયમોના ભંગ બદલ ફરિયાદ નોંધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ પરીક્ષા આપવા માટે કોઈ મોટી નાણાકીય લેતીદેતી થઈ હતી? આ સિવાય આ રેકેટમાં અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થા કે વ્યક્તિ સામેલ છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, પિતાએ જ હુમલો કરાવ્યો હોવાનો પીડિતાનો ગંભીર આક્ષેપ