ભાવનગર શહેરમાં ટૂંક સમયમાં શરૂ થનારી ઈલેક્ટ્રિક બસ સેવાને ધ્યાને રાખીને ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તાર અને સીટી બસના મુખ્ય રૂટ પરથી નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ગંગાજળિયા તળાવ પાસે કડક કાર્યવાહી
મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગંગાજળિયા તળાવ વિસ્તારમાં રસ્તા પર અડિંગો જમાવીને ઉભેલા લારી-ગલ્લા અને અન્ય કાચા-પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન નડતરરૂપ પાર્ક કરેલી રિક્ષાઓને તંત્ર દ્વારા લોક મારી દેવામાં આવ્યા હતા અને સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, રસ્તા પર નડતરરૂપ બિનવારસી સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.










