પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદે હિલચાલ પર નજર રાખતા એક મોટી સફળતા મેળવી છે. પાટણ શહેરમાંથી શંકાસ્પદ હાલતમાં એક મહિલાને ઝડપી પાડવામાં આવી હતી, જેની પૂછપરછમાં તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલ મહિલાની ઓળખ અસમા બેગમ ફારૂક સરદાર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ મહિલા વર્ષ 2025 માં બાંગ્લાદેશની બોનાપોલ બોર્ડર પરથી કાયદેસરના વિઝા કે પાસપોર્ટ વગર ઘૂસણખોરી કરીને ભારતમાં પ્રવેશી હતી.

ગુજરાતના અનેક શહેરો સાથે કનેક્શન

SOG પોલીસની કડક પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી હતી કે તે મુખ્યત્વે ગુજરાતના સુરત શહેરમાં રહેતી હતી. આ ઉપરાંત, તે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ, વડોદરા, આણંદ, મહેસાણા, મોરબી અને પાટણ જેવા વિવિધ શહેરોમાં પણ અવરજવર કરતી અને રોકાતી હોવાનું સામે આવ્યું છે.

પાટણ SOG પોલીસની તપાસ

મહિલાની હિલચાલ અને વડોદરાથી લઈને મોરબી સુધીના તેના રોકાણના સ્થળો શંકાસ્પદ જણાતા પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે. પોલીસે હાલ આ મહિલા વિરુદ્ધ રિસ્ટ્રીકશન ઓર્ડર મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ મહિલા ભારત શા માટે આવી હતી અને તેની સાથે અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ, તે દિશામાં પાટણ SOG પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:Ahmedabad: પેરોલ અને ફર્લો પરથી ફરાર થયેલા 29 રીઢા ગુનેગારોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યા