ભાવનગર શહેરના રુવા લીલા ઉડાન સામે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નિયમ વિરુદ્ધ મકાનો ભાડે આપવાની ગેરરીતિ સામે આવતા મહાનગરપાલિકાની ટીમે કડક તપાસ હાથ ધરી છે. પાલિકાની ટીમે કુલ 2548 પૈકી 120 આવાસોનો આકસ્મિક સર્વે કર્યો હતો, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ સર્વે દરમિયાન 34 જેટલા લાભાર્થીઓએ પોતાના મકાનો અન્ય વ્યક્તિઓને ભાડે આપ્યા હોવાનું ખુલ્યું છે, જ્યારે 37 મકાનો લાંબા સમયથી બંધ હાલતમાં મળી આવ્યા છે. આવાસ યોજનાના નિયમો મુજબ લાભાર્થી પોતે જ રહેવાને બદલે મકાન ભાડે આપી શકતા નથી, છતાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોવાથી મનપા એક્શન મોડમાં આવ્યું છે.
આવાસ યોજનામાં લાભાર્થીઓ બેફામ
મનપાની ટીમે તપાસ દરમિયાન જે મકાનોમાં ભાડુઆતો રહેતા હતા, તે તમામ 34 લાભાર્થીઓ અને ભાડુઆતોને 7 દિવસમાં મકાન ખાલી કરી દેવા માટેની કડક નોટિસ ફટકારી છે. જો સાત દિવસની મર્યાદામાં આ મકાનો ખાલી કરવામાં નહીં આવે, તો પાલિકા દ્વારા મકાનોને સીલ મારવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મનપાના અધિકારીઓ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલી આ તપાસ અને નોટિસની કામગીરીને પગલે આવાસ યોજનાના અન્ય અનિયમિત લાભાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા આગામી દિવસોમાં અન્ય બ્લોકમાં પણ આવી જ તપાસ ચાલુ રાખશે તેવા સંકેતો આપ્યા છે.













