રાજ્યમાં અત્યાર સુધીના સૌથી મોટા ગણાતા રૂપિયા 719 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગુનામાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હવે બેંક મેનેજર સહિત વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી કુલ ધરપકડનો આંકડો 14 પર પહોંચ્યો છે. આ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગના સભ્યો બેંકમાં 'મ્યુલ એકાઉન્ટ' (નાણાકીય ગેરરીતિ માટે વપરાતા બેંક ખાતા) ખોલાવીને સાયબર ફ્રોડના નાણાં જમા કરાવતા હતા. આ જમા થયેલા નાણાંનું ટ્રાન્ઝેક્શન આંગડિયા અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન દ્વારા દુબઈ ખાતે મોકલવામાં આવતું હતું.
બેંક મેનેજરની સંડોવણી
આ સમગ્ર ક્રાઇમ સિન્ડિકેટના કનેક્શન ચાઈનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમને આ નાણાં મોકલાતા હતા. તપાસમાં ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકના બ્રાન્ચ મેનેજર ભૂમિકા લશ્કરીની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી છે. ભૂમિકા લશ્કરીએ KYC વગર જ બેંક એકાઉન્ટ્સ ખોલવા દીધા હતા. એટલું જ નહીં, સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાની જાણકારી હોવા છતાં તેમણે કાર્યવાહી કરી ન હતી. બેંક મેનેજરના પતિ સાહિલ સાધ પણ આ ગુનામાં જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.













