ભાવનગર શહેરમાં ગુનાખોરી મુક્ત વાતાવરણ તૈયાર કરવા અને અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે ભાવનગર પોલીસ વિભાગે કમર કસી છે. શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં અગાઉ શરીર સંબંધી ગંભીર ગુનાઓ (જેવા કે મારામારી, હુમલો વગેરે) માં સંડોવાયેલા તત્વો ફરી માથું ન ઉચકે તે માટે પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે વહેલી સવારે જ્યારે આખો કાફલો વિસ્તારમાં ઉતર્યો ત્યારે સ્થાનિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

વિશાળ કાફલા સાથે 24 ઘરોમાં સર્ચ ઓપરેશન

ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ૨ પીઆઈ (PI), 5 પીએસઆઈ (PSI) અને 40 જેટલા હથિયારધારી તથા સામાન્ય પોલીસ કર્મચારીઓની એક ટુકડીએ ખેડૂતવાસમાં ધામા નાખ્યા હતા. પોલીસે આ વિસ્તારના ચિહ્નિત થયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૨૪ જેટલા શખ્સોના રહેઠાણ પર એકસાથે સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાનો અને સ્થાનિક રહીશોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો હતો.

7 મકાનોમાં ચોરીનું વીજ જોડાણ પકડાયું

આ પોલીસ બંદોબસ્તની હાજરીનો લાભ લઈને પીજીવીસીએલ (PGVCL) ની ટેકનિકલ ટીમે પણ આ વિસ્તારના શંકાસ્પદ મકાનોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આશ્ચર્યજનક રીતે, ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોના 7 જેટલા મકાનોમાં સીધું લંગરિયું નાખીને અથવા મીટર બાયપાસ કરીને ગેરકાયદેસર રીતે વીજચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. પીજીવીસીએલના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ તમામ ૭ મકાનોના ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખ્યા હતા અને વાયરિંગ કબ્જે કરીને કાયદેસરનો દંડ ફટકારવાની તેમજ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતમાં 24,166 લોકો ગુમ, મેગા સિટી અમદાવાદ અને સુરત બન્યા હોટસ્પોટ