ભાવનગર જિલ્લામાં પ્રોહિબિશનની કડક અમલવારીના દાવાઓ વચ્ચે બુટલેગરો હવે વિદેશી દારૂની હેરાફેરી માટે હાઈસ્પીડ લક્ઝુરિયસ ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. આજે વહેલી સવારે ભાવનગર-મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર તરેડ ગામના પાટિયા નજીકથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઇનોવા કારને અકસ્માત નડ્યો હતો. દારૂના કટીંગ માટે કદાચ આ કાર ઓવરસ્પીડમાં દોડાવવામાં આવી રહી હતી.
નેશનલ હાઈવે પરથી સીધી વાડીમાં ખાબકી
પ્રાપ્ત વિગતો અનુસાર, ઇનોવા કાર નંબર GJ 06 LE-0510 ના ચાલકે તરેડ ગામ નજીક અચાનક જ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કારની ઝડપ એટલી વધારે હતી કે તે રોડ પરથી ત્રણ-ચાર પલટી મારીને હાઈવેની બાજુમાં આવેલી એક ખાનગી વાડીની અંદર કૂદી પડી હતી. અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના વાડી વિસ્તારના લોકો અને ખેડૂતો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકો પહોંચે તે પહેલા જ એરબેગ ખુલી જવાના કારણે બચેલો કાર ચાલક અંધારાનો અને અફરાતફરીનો લાભ લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો.










