ભાવનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ રોકવા માટે ખાણ ખનીજ વિભાગે હવે 'હાઈટેક' અભિગમ અપનાવ્યો છે. તળાજા તાલુકાના દાત્રાડ ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં લાંબા સમયથી ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે વિભાગે ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ હાથ ધર્યું હતું, જેમાં રેતી ચોરીનું કૌભાંડ રંગેહાથ ઝડપાયું છે.
શેત્રુંજી નદીમાં ખનીજ ચોરી
ખનીજ વિભાગની ટીમે જ્યારે દાત્રાડ પાસે નદીના પટમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાં મોટા પાયે મશીનરી દ્વારા રેતીનું ખનન થઈ રહ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી એક જેસીબી (JCB), એક લોડર, એક ટ્રેક્ટર સહિત અંદાજે ₹20 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ડ્રોન ફૂટેજમાં ખનન પ્રવૃત્તિ સ્પષ્ટ દેખાઈ આવતા માફિયાઓને છટકવાની કોઈ તક મળી નહોતી.










