ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગઇકાલે મળી આવેલી એક સગીરની લાશના કેસમાં મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. માતાના પ્રેમ સંબંધોની જાણ થતાં પુત્રની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ભાવનગરમાં માતાના પ્રેમ સંબંધોએ લીધો પુત્રનો ભોગ
પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવા તાલુકામાં 17 વર્ષીય ઉવૈશ સલીમભાઈ કાળવતારની લાશ માલણ નદીના કિનારે આવેલા એક કૂવામાં દોરડા વડે લટકતી હાલતમાં મળી આવી હતી. ઉવૈશ છેલ્લા બે દિવસથી ગુમ હતો અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો.પોલીસ તપાસમાં આ ઘટના માત્ર આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. હત્યાનું કારણ મરનાર સગીરની વિધવા માતા સાથે આરોપી હસન સલાટને ચાલતા આડાસંબંધો હતા.
આરોપીએ હત્યાની કરી કબૂલાત
મળતી વિગતો મુજબ, પુત્ર ઉવૈશને તેની માતા અને હસન સલાટ વચ્ચેના પ્રેમસંબંધોની જાણ થઈ ગઈ હતી. આ બાબતે તેણે વિરોધ કર્યો હોવાથી, પ્રેમસંબંધોમાં આડખીલી રૂપ બનેલા ઉવૈશને આરોપી હસન સલાટે મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહુવા ટાઉન પોલીસે આ અંગે સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપી હસન સલાટ ગણતરીની કલાકોમાં જ તૂટી પડ્યો હતો અને તેણે હત્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતાના પ્રેમસંબંધોને કારણે સગીર પુત્રનો ભોગ લેવાયો હોવાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો: ગુજરાતના 14 જિલ્લામાં માછીમારોની વસ્તી ગણતરી શરૂ, ICAR-CMFRI દ્વારા સર્વે
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d