ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગર શહેરમાં પતંગ ચગાવતી વખતે સર્જાયેલા વીજ અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. શહેરના ઘોઘા રોડ પર આવેલ ખોડિયાર નગર વિસ્તારમાં પતંગ ચગાવવા અગાસી પર ચડેલા ત્રણ નાના બાળકોને જીવંત વીજ વાયરથી જોરદાર કરંટ લાગ્યો હતો.
10 વર્ષીય બાળકને કરંટ લાગતા મોત નીપજ્યું
આ કરુણ બનાવ શીતળા માતાના મંદિર પાસે આવેલ ખોડિયાર નગરમાં બન્યો હતો. ત્રણ બાળકો ઉત્સાહભેર અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા, ત્યારે અચાનક નજીકમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનના સંપર્કમાં આવી ગયા હતા. વીજ કરંટ એટલો જોરદાર હતો કે 10 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલી અન્ય બે બાળકીઓ પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી.













