ભાવનગર જિલ્લા NSUIના પ્રમુખ આર્શમાનખાન બ્લોચની સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. તેમની ધરપકડ IPO ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક ગંભીર કેસમાં કરવામાં આવી છે. આરોપી આર્શમાનખાન બ્લોચે રોકાણ કરવાના બહાને ભોગ બનનાર પાસેથી ₹47.50 લાખની છેતરપિંડી કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે તે ધંધુકાના અન્ય એક NSUI વ્યક્તિ મારફતે 11 જેટલા બેંક એકાઉન્ટ મેળવતો હતો.
પોલિટિક્સના નામે ફ્રોડ
આ એકાઉન્ટ્સનો ઉપયોગ છેતરપિંડીના નાણાં મેળવવા માટે કરાતો હતો, અને આ 11 બેંક એકાઉન્ટ પર અત્યાર સુધીમાં 27 જેટલી ફરિયાદો નોંધાઈ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આર્શમાનખાને અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના રૂપિયામાંથી ₹1.50 કરોડ જેટલું કમિશન મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે. તે દુબઈના ચોકરભાઈ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો, જે તેની મારફતે ખોલાવેલા બેંક એકાઉન્ટમાં ફ્રોડના નાણાં જમા કરાવતો હતો.
