ગુજરાતમાં સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. ભાવનગર શહેરમાંથી ઓડિશા પોલીસની એક ટીમે સાયબર ફ્રોડના એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીનું નામ મહેન્દ્ર મકવાણા છે. મહેન્દ્ર મકવાણા પર આંતરરાજ્ય સાયબર ફ્રોડના નેટવર્કમાં સામેલ હોવાનો આરોપ છે.
પોલીસે તપાસ હાથ ધરી
પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ આરોપીના બેંક ખાતામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જમા થઈ હતી. ઓડિશા પોલીસે આ ગંભીર કેસમાં ભાવનગર સુધી ધામા નાખીને મહેન્દ્ર મકવાણાની ધરપકડ કરી છે. સ્થાનિક પોલીસની મદદથી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, આરોપીને હવે વધુ તપાસ અર્થે ઓડિશા લઈ જવામાં આવશે. પોલીસ માને છે કે આરોપીની પૂછપરછમાં આ સાયબર ફ્રોડના સમગ્ર નેટવર્ક અને તેમાં સામેલ અન્ય આરોપીઓ વિશેની મહત્વપૂર્ણ માહિતી સામે આવી શકે છે.













