ભાવનગર જિલ્લામાં ફરી એકવાર ભાજપના પદાધિકારીના કારણે પક્ષની છબી ખરડાય તેવી ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાલીતાણા તાલુકાના બુઢણા ગામે ધમધમતા એક જુગારધામ પર મધરાતે ત્રાટકીને મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ રેડમાં પાલીતાણા નગરપાલિકાના શાસક પક્ષના નગરસેવકની સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
નગરસેવક તુષાર માળી પોલીસને થાપ આપી ફરાર
LCBની ટીમે જ્યારે બુઢણા ગામે રેડ કરી ત્યારે સ્થળ પરથી 6 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. જોકે, પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપના નવનિયુક્ત અને બિનહરીફ ચૂંટાયેલા નગરસેવક તુષાર માળી પોલીસને જોઈને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે તુષાર માળી સહિત કુલ 13 શખ્સો વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
