ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આજે એક અત્યંત ચોંકાવનારો અકસ્માત સર્જાયો છે. એક બેફામ બનેલા કારચાલકે જાહેર રસ્તા પર એક વાહન અને ખાણીપીણીની લારીએ ઉભેલા નિર્દોષ લોકોને અડફેટે લેતા અરેરાટી મચી ગઈ છે. આ ઘટનામાં કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

નશામાં ધૂત કારચાલકનો કહેર

ઘટનાની મળતી માહિતી મુજબ, કારચાલકે સ્પીડ પરનો કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થતા 8 લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા અને કારની તલાશી લીધી, ત્યારે કારની અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. જેના પરથી પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કારચાલક નશાની હાલતમાં વાહન હંકારી રહ્યો હતો.

વાહનોનો કચ્ચરઘાણ અને CCTV

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારે માત્ર લોકોને જ નહીં, પરંતુ રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા અન્ય વાહનોને પણ અડફેટે લઈ ભારે નુકસાન પહોંચાડ્યું છે. સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારચાલક કઈ રીતે કાળ બનીને ત્રાટક્યો તે સ્પષ્ટ જોઈ શકાય છે.

સારવાર અને કાર્યવાહી

તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સિહોર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કારમાંથી મળેલી દારૂની બોટલના આધારે પ્રોહિબિશન અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Bhavnagar: કાતિલ પુત્ર-પુત્રવધૂએ 5 લાખની સોપારી આપી કરાવી હતી માતા-પિતાની હત્યા, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન