ભાવનગર શહેરના હાર્દ સમાન એમ.જી. રોડ પર ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા વર્ષો જૂના જૈન દેરાસરમાંથી અજાણ્યો તસ્કર અજીતનાથ ભગવાનની મૂર્તિ પર બિરાજમાન કિંમતી ચાંદીનો મુગટ ચોરી કરી પલાયન થઈ ગયો છે. આ સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.


પુજારી ઉપરના માળે ગયા અને નીચે મુગટ ગાયબ

ઘટનાની વિગત મુજબ, એમ.જી. રોડ પર વૃંદાવન હોટલની સામે આવેલા જૈન દેરાસરમાં ગત ૨૩ જાન્યુઆરીના રોજ રાબેતા મુજબ ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના ચાલી રહી હતી. સવારના સમયે દેરાસરના પુજારી દર્શનાબેને પ્રથમ અજીતનાથ ભગવાનની પૂજા કરી હતી, તે સમયે મૂર્તિ પર ચાંદીનો મુગટ બિરાજમાન હતો.ત્યારબાદ પુજારી ઉપરના માળે પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરવા માટે ગયા હતા. આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે જ્યારે તેઓ પૂજા પૂર્ણ કરી નીચે આવ્યા, ત્યારે અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી મુગટ ગાયબ હોવાનું જણાતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક દેરાસરના ટ્રસ્ટી સંજયભાઈ ઠારને આ અંગે જાણ કરી હતી.

CCTVમાં કેદ થયો ચોરીનો ખેલ

ચોરીની જાણ થતા જ દેરાસરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પુજારીની ગેરહાજરીનો લાભ લઈ એક અજાણ્યો ઈસમ દેરાસરમાં પ્રવેશ કરે છે અને ભગવાનની મૂર્તિ પરથી અંદાજે રૂ. 50,000 ની કિંમતનો ચાંદીનો મુગટ ઉતારીને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ જાય છે.

પોલીસ તપાસનો ધમધમાટ

આ મામલે દેરાસરના ટ્રસ્ટી સંજયભાઈએ ગંગાજળિયા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.સીસીટીવી ફૂટેજના આધારે આરોપીના વર્ણન અને ભાગવાના રૂટની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:Aravalli: હાથમતી નદીના નબળા ડાયવર્ઝનમાં ટ્રક ખાબકી, 'સંદેશ ન્યૂઝ'નો અહેવાલ સાચો ઠર્યો


  • Follow us on: