ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણની ઘટના બની છે. કરિયાણાની દુકાન પાસે બેસવા જેવી ક્ષુલ્લક બાબતમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને બંને જૂથોએ એકબીજા પર હુમલો કર્યો હતો.
બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ
મળતી માહિતી મુજબ, ખેડૂતવાસમાં આવેલા બારૈયા અને મકવાણા પરિવારના સભ્યો વચ્ચે કરિયાણાની દુકાને બેસવા બાબતે તકરાર થઈ હતી. દુકાનધારકને અન્ય કોઈ વ્યક્તિને બેસવા ન દેવાનું કહેવા ગયેલા શખ્સ અને તેના પરિવાર પર સામેવાળા પક્ષે ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોએ આક્ષેપ કર્યો છે કે તેમના પર તીક્ષ્ણ હથિયાર, લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો.
5 લોકો લોહીલુહાણ
આ ધીંગાણામાં એક મહિલા સહિત કુલ ૪ થી ૫ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને દુકાનદારોએ ટપોટપ શટર પાડી દીધા હતા.
પોલીસ બંદોબસ્ત
ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો ખેડૂતવાસ વિસ્તારમાં દોડી આવ્યો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં તાપમાન 43 ડિગ્રીને પાર