ભાવનગર શહેરના માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસે શહેરના જ્વેલર્સ સર્કલ, પાણીની ટાંકી વિસ્તાર અને વાઘાવાડી રોડ જેવા વ્યસ્ત સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું.
ટ્રાફિકનો કાયદો તૂટશે તો દંડાશે
આ ડ્રાઇવ દરમિયાન મોડીફાઇડ સાયલેન્સરવાળી બુલેટ અને કાળા કાચવાળી ફોર-વ્હીલ સહિતના નિયમભંગ કરતા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે ખાસ કરીને તીવ્ર અને પ્રદૂષણ ફેલાવતા અવાજવાળા બુલેટને જપ્ત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, જાહેર માર્ગો પર ફૂલ સ્પીડમાં બેફામ રીતે ગાડીઓ ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જ નિયમભંગ કરનારા વાહનચાલકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી પણ કરી હતી.
