ભાવનગરના નવાપરા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે થયેલી તકરાર બાદ હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ નીલમબાગ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
જૂની અદાવતનું લોહીયાળ પરિણામ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાવનગરના નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે મુસ્લિમ સમાજના બે જૂથના યુવકો સામસામે આવી ગયા હતા. અગાઉની કોઈ અદાવત કે ઝઘડાને ધ્યાનમાં રાખીને એક પક્ષ દ્વારા હથિયાર કાઢીને બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક રાઉન્ડ હવામાં ફાયર થયો હતો, જ્યારે બીજો રાઉન્ડ મિસ ફાયર થયો હતો, જેને કારણે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
