ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં વ્યાજખોરોનો ત્રાસ ફરી એકવાર એક યુવકનો ભોગ લઈ ગયો છે. વ્યાજખોરોની સતત ધમકીઓ અને ઉઘરાણીના ત્રાસથી કંટાળીને ભાદાવાવ ગામના એક યુવકે આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભાદાવાવ ગામના ચંદુ બાલધીયા નામના યુવકે વ્યાજખોરોના દબાણથી મુક્તિ મેળવવા માટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
ચાર બાળકોના માથેથી છત્રછાયા ઉઠી
મૃતક યુવક પર દેવાને કારણે વ્યાજખોરો તરફથી સતત ઉઘરાણીના ફોન આવતા હતા, જેના કારણે તે ભારે માનસિક તણાવમાં હતો. આ કરૂણ ઘટનાને પગલે ચંદુ બાલધીયાના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેમના ચાર માસૂમ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે, જેનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિજનોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે કે આ મામલે યોગ્ય અને સઘન તપાસ કરીને વ્યાજખોરો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય કોઈ પરિવારને આ રીતે ભોગ ન બનવું પડે.













