આવનારા સમયમાં દેશના આર્થિક ગ્રોથમાં બ્લૂ ઇકોનોમી મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ગુજરાતને મળેલા વિશાળ દરિયા કિનારામાં કચ્છ સૌથી વધુ દરિયાનો વિસ્તાર ધરાવે છે. ત્યારે આવનારા સમયમાં દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વડાપ્રધાન મોદી બ્લૂ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મુકતા તાજેતરમાં જ કહ્યું હતું કે, આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લૂ ઇકોનોમી એક માધ્યમ બનશે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.


બ્લૂ ઇકોનોમી એટલે શું ?

બ્લૂ ઇકોનોમીનો અર્થ માત્ર માછીમારી કે જહાજવાડાથી જ નથી, પરંતુ સમુદ્ર આધારિત સમગ્ર આર્થિક માળખાનો સમાવેશ થાય છે. જેમાં મરીન બાયોટેક્નોલોજી, ગ્રીન એનર્જી,ગહન સમુદ્ર સંશોધન,ઇકો-ટુરિઝમ, પોર્ટ- લોજિસ્ટિક્સ અને સ્માર્ટ ફિશિંગ વગેરેનો સમાવેશ થાય છે. સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી ડો.જીતેન્દ્ર સિંહના કહેવા મુજબ બ્લૂ ઇકોનોમી ભારતની હરિત વિકાસ યાત્રાનું નવો પાયો બની શકે છે. બંદરોને આધુનિક બનાવવાની સાથે વેપારમાં ઝડપ લાવવા સરકારે સાગરમાલા પ્રોજેક્ટ અમલી કર્યો છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારી ક્ષેત્રમાં બ્લૂ રિવોલ્યુશન લાવી રહી છે.કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) સમગ્ર દેશમાં લાગુ કરી છે. જેમાં મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે.

મત્સ્યપાલન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકારના પ્રયાસો

ગુજરાતના લાંબા દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો લાભ લેવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અનેક પહેલો હાથ ધરી છે, જેમાં ડીઝલના વેટદરમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલની ખરીદી પર સબસીડીની સુવિધા, ઝીંગા માછલીઓના પાલન માટે જમીન આપવી, રસ્તા અને વીજળીની સુવિધાઓ, નાના માછીમારો માટેના બંદરોની માળખાકીય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે.રાજ્ય સરકાર દ્વારા મત્સ્યોદ્યોગના વિકાસ માટે ઘણી નવી પહેલો શરૂ કરી છે, જેમાં મત્સ્ય ઉછેર અને ઉત્પાદન માટે બાયોફલોકની સ્થાપનામાં સહાય, ઝીંગા તળાવની પૂર્વ તૈયારી માટે દવા અને મિનરલ તેમજ ખોરાક તરીકે આપવામાં આવતા પ્રોબાયોટિકની ખરીદી ઉપર સહાય કેજ કલ્ચર માટે સહાયનો સમાવેશ થાય છે.

કચ્છમાં મત્સ્યોદ્યોગનો વિકાસ

ગુજરાત મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ રાજ્ય દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે છે, જે રાજ્યની જળસંપત્તિની તાકાત દર્શાવે છે. ૪૦૬ કી.મી. જેટલો દરિયા કિનારો કચ્છ જિલ્લાને મળેલ છે. કે જે ગુજરાતના અન્ય જિલ્લા કરતા સૌથી વધારે ૨૫.૩૮ % ધરાવે છે. કચ્છ જિલ્લામાં બોટોમાં મુખ્યત્વે ગીલનેટ, ડોલનેટ, પટ્ટીજાળ તથા ચક્કર જાળ દ્વારા માછીમારી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં મુખ્ય પાપલેટ, સુરમાઈ, ઝીંગા, લોબસ્ટર પલ્લી, પાલવા, રાઉસ, બોઇ-ગાંધીયા, કરચલા તેમજ અન્ય ઘણી પ્રજાતિઓની માછીમારી કરવામાં આવે છે.

કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન

કચ્છ જિલ્લાનું દરિયાઈ ઉત્પાદન જોઈએ તો ૫૯૨૧૩ મેટ્રિક ટન (ગુજરાતનાં કુલ ઉત્પાદન નાં ૮.૪૦ %) કે જે રૂ.૧૬૫ પ્રતિ કિલો મુજબ રાજ્યે અંદાજે ૯૮૦૦૦ લાખનું હૂંડિયામણ કચ્છ જિલ્લામાંથી મેળવેલું છે.(વર્ષ ૨૦૨૩-૨૪ મુજબ), કચ્છ જિલ્લામાં સરકારશ્રીની યોજના જેવી કે, મત્સ્યોદ્યોગ તાલીમ, ગીલનેટ, પી.પી.રોપ, ઇન્સ્યુલેડેટ બોક્ષ, રેફ્રીજરેડ વાન, લાઈફ સેવિંગ ઇકવીપમેન્ટની ખરીદી જેવી વિવિધ યોજનાઓ હેઠળ છેલ્લા ૩ વર્ષમાં કુલ ૪૪૪ લાભાર્થીઓને કુલ રૂ. ૧૦૭.૮૦ લાખનું વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને સીધે-સીધું તેઓના ખાતામાં ચૂકવણું કરવામાં આવેલ છે.


આ પણ વાંચોઃ Rajkot: વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી આવી સામે, ખેતરોમાંથી મંજૂરી વગર બારોબાર કાઢ્યો રસ્તો

  • Follow us on: