દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવવાના ભાગરૂપે કચ્છ જિલ્લા પ્રશાસન દ્વારા એક ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ એવા 21 નિર્જન ટાપુઓ (આઇલેન્ડ) પર સામાન્ય નાગરિકો અને બહારના લોકો માટે તાત્કાલિક અસરથી પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે.દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેનું એક સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
21 જેટલા મહત્વના નિર્જન ટાપુઓ પર પ્રવેશ બંધી
આ કડક નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રી માર્ગેથી થતી અસામાજિક તત્વો, ડ્રગ્સ માફિયાઓ કે આતંકવાદીઓની સંભવિત ઘૂસણખોરીને રોકવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે. કલેક્ટરના જાહેરનામા અનુસાર, શેખરણ પીર અને લુણાબેટ સહિતના 21 જેટલા મહત્વના નિર્જન ટાપુઓ પર ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી છે.













