હાલે રણોત્સવને કારણે ભુજ શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.જેને ધ્યાને લઇને પાલિકા દ્વારા ટૂરિસ્ટ પોઇન્ટ તથા જાહેર માર્ગ ઉપર દૈનિક સફાઇ કરવાની સાથે સાથે સફાઇ કામદારોની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.પાલિકા દ્વારા હાલે શહેરમાં ચાર ઝોનમાં સફાઇની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેને કારણે પાલિકાને સફાઇ પાછળ માસિક રૂ.૬૫થી ૭૦ લાખનો ખર્ચ થઇ રહ્યો છે.

મિની ટિપર અને ૨ સુપર મશીનનો ઉપયોગ

શહેરમાં પ્રવાસીઓ સહિતનાં વિવિધ પ્લેસની વ્યવસ્થિત સફાઇ માટે ૨૧૦ જેટલા સફાઇ કામદારોને સફાઇની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે.જ્યારે કચરાનાં નિકાલ માટે ૨૭ ટ્રેક્ટર, ૨૯ ડોર ટુ ડોર માટે મિની ટિપર અને ૨ સુપર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.પાલિકાનાં સેનિટેશન કમિટી ચેરમેન અનિલ છત્રાળાએ જણાવ્યું હતું કે, રણોત્સવને કારણે શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. તો વિવિધ શાળાકીય પ્રવાસોની બસોની સંખ્યા પણ વધી રહી છે. જેને ધ્યાને લઇને પાલિકા દ્વારા શહેરનાં તમામ ટૂરિસ્ટ પોઇન્ટની દૈનિક સફાઇ થાય તે બાબતને પ્રાથમિક્તા આપવામાં આવી છે.

મજૂરોની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો

પાલિકા દ્વારા હાલે તમામ ૧૧ વોર્ડમાં સફાઇ, ડોર ટુ ડોર, વેસ્ટ કલેક્શન, ઝાડી કટિંગ, માટી કામ, તમામ કચરાનાં ઢગલા અને કન્ટેનર લિફ્ટિંગની કામગીરી કરવા માટે અને જાહેર માર્ગો, ટૂરિસ્ટ સ્થળોની નિયમિત સફાઇ કરી શકાય તેમજ ઓપન સ્પોટ લિફ્ટિંગ, કન્ટેનર લિફ્ટિંગ તથા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીમાં સુધારો લાવી શકાય તે માટે વાહનો, સફાઇ, કામદારો તેમજ મજૂરોની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

ચાર ઝોનમાં સફાઇ કરવામાં આવી રહી છે

જેના પગલે શહેરમાં હાલે ચાર ઝોનમાં સફાઇ કરવામાં આવી રહી છે, તેમાં વોર્ડ નં. ૧થી ૩માં ૪૩ સફાઇ કામદારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ નં. ૫ અને ૬માં ૪૭ સફાઇ કામદારો, વોર્ડ નં. ૪, ૯ અને ૧૦ માટે ૫૬ સફાઇ કામદારો હાલે ટ્રેક્ટર, મિની ટિપરનો ઉપયોગ કરીને સફાઇની કામગીરી આગળ ધપાવી રહ્યા છે. એ જ રીતે વોર્ડ નં. ૭, ૮ અને ૧૧ માટે હાલે ૬૪ સફાઇ કામદારો તેમના ઝોનમાં સફાઇને પ્રાધાન્ય આપી રહ્યા છે તેમ તેમણે અંતમાં જણાવી ઉમેર્યું હતું કે, જરૂરત પડયે જાહેર માર્ગો ઉપર રાત્રિ સફાઇ પણ કરાવવામાં આવી રહી છે. જેને કારણે શહેર સ્વચ્છ અને કચરા રહિત બને.


આ પણ વાંચોઃ Ahmedabad News: આવકવેરા વિભાગનું એક સાથે 35 સ્થળો પર સર્ચ, વિનોદ ટેક્સટાઈલમાં વહેલી સવારથી દરોડા