કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ હવે સત્તાના સિંહાસન પર કોણ બેસશે તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. આગામી 4 મેના રોજ ભુજ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વ્યક્તિગત સાંભળવામાં આવશે પ્રતિનિધિઓને

આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ભુજ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને પક્ષના અગ્રણીઓને વ્યક્તિગત રીતે મળશે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદો માટે સભ્યોની પસંદગી અને તેમના અભિપ્રાયો જાણવામાં આવશે. પક્ષના શિસ્તબદ્ધ માળખા મુજબ આ પ્રક્રિયા લોકશાહી ઢબે પૂર્ણ કરવામાં આવશે.

3 નામની પેનલ થશે તૈયાર

સેન્સ પ્રક્રિયાના અંતે નિરીક્ષકો દરેક મહત્વના હોદ્દા માટે સૌથી વધુ પસંદગી પામેલા અને લાયક ઉમેદવારોના 3-3 નામોની પેનલ તૈયાર કરશે. આ પેનલનો અહેવાલ પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને મોકલવામાં આવશે. અંતિમ નિર્ણય પ્રદેશ ભાજપ દ્વારા લેવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર રીતે હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો: Navsari: વિજલપોરમાં મોડી રાત્રે હિંસક બબાલ, બે યુવાનો પર પાઇપ અને લાકડાના ફટકાથી જીવલેણ હુમલો