ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છમાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. ત્યારે કચ્છનો સૌથી મોટો રૂદ્રમાતા ડેમ તળિયા ઝાટક બન્યો છે. આ વિસ્તારની જીવાદોરી સમાન આ ડેમ ખાલી ખમ બનતા આવનારા દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બનવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ભુજ તાલુકાનો જીવદોરી સમાન રૂદ્રમાતા ડેમ તળિયા ઝાટક બની જતા ખેડૂતોની ચિંતા વધી છે. આસપાસના 10 જેટલા ગામોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતો આ ડેમમાં નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
જેના કારણે ઉનાળો આકરો બને તેવું લાગી રહ્યું છે.
કચ્છના રૂદ્રમાતા ડેમને નર્મદાના નીરથી ભરવાની જાહેરાતો અનેક વખત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. જો ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે અને આસપાસના ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે એમ છે. હાલમાં ઉનાળાની શરૂઆત સાથે જ કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ ખાલી થઈ ગયો છે. હવે ડેમને નર્મદા નીરથી ભરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
