રાજકોટમાં કડવા પાટીદારોનું આજે ઈશ્વરીયા ગામ ખાતે મહાસંમેલન યોજાયું હતું. પરંપરા અને પરિવર્તન નામથી સામાજીક મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે. સાંસદ અને કડવા પાટીદાર સમાજના અગ્રણી પરસોતમ રૂપાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો છે. ઈશ્વરિયા ગામે રૂપિયા 125 કરોડના ખર્ચે કડવા પાટીદારો માટે વિદ્યા સંકુલ બનશે. આ સંમેલનમાં સાંસદ પરષોત્તમ રૂપાલાએ સામાજિક કુરિવાજો પર પ્રહારો કર્યા હતાં.

સાસુ, વહુ અને દીકરીઓ સાથે વાત કરવી જરૂરી

કડવા પાટીદારોના સંમેલનમાં સાંસદ પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, સમાજે લગ્ન અને મરણ પ્રસંગોની વ્યવસ્થા સુધારવી પડશે. પ્રિવેડિંગ ફંક્શન આપણો રિવાજ નથી. તેમણે રિવાજ અને કુરિવાજ વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. આજના યુગમાં સમાજમાં નવેસરથી નવી વ્યવસ્થા થવી જરૂરી છે. તેમણે સમાજના લોકોને ખૂબજ ગંભીરતા પૂર્વક ચિંતન કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સમાજ આગામી સમયમાં સુધારા અંગે ચિંતન નહીં કરે તો પ્રાણીઓ જેવી સ્થિતિ થશે. આજે સંયુક્ત કુટુંબમાં દીકરી આપવામાં નથી આવતી તે ચિંતાજનક બાબત છે. આપણે મુળ ગામડાંના જ છીએ અને આજે વાંધો પણ આપણને ગાંમડાથી જ છે. તેમણે સમાજની મહિલાઓને વિનંતી કરી હતી કે, સાસુ, વહુ અને દીકરીઓ સાથે વાત કરવી જરૂરી છે.

પ્રત્યેક કુટુંબમાં ઘરસભા રાખવાનો પ્રસ્તાવ રાખો

પંરપરા અને સંસ્કારોની આપ લે થવી જરૂરી છે. પ્રત્યેક કુટુંબમાં ઘરસભા રાખવાનો પ્રસ્તાવ રાખો. આજના સમયમાં કુટુંબ બચાવવું જરૂરી છે. ઘર સભામાં મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન થઈ જશે. રૂપાલાએ ડ્રેસ કોડને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. આપણે એવા કપડાં પહેરવા જોઈએ કે કોઈ આપણને ગીધની માફક ના જુએ. સાંસદ રૂપાલાએ કહ્યું હતું કે, કપડાં અને પહેરવેશ આબરુ છે જે જાળવવી જરૂરી છે. એક સમયે દીકરીઓનો ઉછેર ખૂબ સરસ રીતે થતો હતો. દીકરીઓ માટે માતાએ જાગૃત બનવાની જરૂર છે. દીકરીઓ લંગૂર પાછળ ચાલી જાય ત્યાર બાદ ખબર પડે છે. આ માટે જાગૃત થવાની જરૂર છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: લસુન્દ્રાની પાટીદાર દીકરીની હત્યાની આશંકા, સરકાર કોઈપણ સંજોગોમાં તેને પરત અપાવે : દિનેશ બાંભણિયા