ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પંકજ નાયક સામે રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોટી કાર્યવાહી કરતા તેમનો ચાર્જ તાત્કાલિક અસરથી પરત ખેંચી લીધો છે. નોંધનીય છે કે, પંકજ નાયક તાજેતરમાં જ બુલડોઝર સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી માટે નીકળ્યા હતા. આ આક્રમક ડિમોલિશન ડ્રાઈવ બાદ સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. અચાનક લેવાયેલા આ નિર્ણય પાછળ અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે, જેમાં ઉચ્ચ સ્તરેથી કોઈ સૂચના કે સ્થાનિક રજૂઆતો કારણભૂત હોવાનું મનાય છે.
વહીવટી તંત્રની લાલ આંખ
પંકજ નાયક પાસેથી ચાર્જ પરત લેવાયા બાદ, હવે ગોધરા નગરપાલિકાના એચ.એચ. પટેલને જંબુસર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બુલડોઝર એક્શન જેવી મોટી કાર્યવાહી બાદ અચાનક અધિકારીની સત્તા છીનવાઈ જવાથી નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું આ કાર્યવાહી નિયમ મુજબ નહોતી કે પછી કોઈ અન્ય દબાણને વશ થઈને આ ફેરબદલ કરવામાં આવી છે. હાલમાં નવા નિમાયેલા ચીફ ઓફિસરે કાર્યભાર સંભાળી લીધો છે અને આગામી દિવસોમાં અટકેલી કામગીરીઓ પર શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.













