બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઉત્તરાયણના પર્વ પર થયેલી સામાન્ય બાબતની તકરારે હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના ખાટકીવાડ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મોટરસાયકલ પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા અહેમદભાઈ તરકવાડીયાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે હવે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ઉત્તરાયણના પર્વ પર તકરાર

ગત 14 જાન્યુઆરી, એટલે કે મકરસંક્રાંતિના દિવસે ગઢડાના ખાટકીવાડ વિસ્તારમાં આ વિવાદ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, દુકાન પાસે બાઇક પાર્ક કરવા જેવી તદ્દન સામાન્ય બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. વાત એટલી હદે વણસી ગઈ હતી કે બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી શરૂ થઈ હતી. આ અથડામણમાં અહેમદભાઈ તરકવાડીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હોસ્પિટલમાં દમ તોડ્યો

ઘટના બાદ ઈજાગ્રસ્ત અહેમદભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા, પરંતુ કમનસીબે આજે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. યુવાનના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા ગઢડામાં શોક અને તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોલીસ કાર્યવાહી

આ મામલે પોલીસે અગાઉ યુનુસ ઓસમાન તરકવાડીયા અને મહેબૂબ ઓસામણ તરકવાડીયા સામે મારામારી અને ઈજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો હતો. જોકે, હવે ભોગ બનનારનું મોત થતા ગઢડા પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની હત્યાની કલમ (ધારા ૩૦૨) નો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Junagadh News: પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટોડિયલ ડેથ


  • Follow us on: