બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામમાં બાળકોની રમત જેવી સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. રામપરા ગામમાં બાળકો વચ્ચે રમવાની બાબતમાં થયેલી તકરાર બાદ એક જ સમાજના બે પક્ષો આમને-સામને આવી ગયા હતા. આ બોલાચાલી જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી અને બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો.
લાકડા અને ધોકા વડે ધીંગાણું
ઘટનાના જે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે તે જોઈને હચમચી જવાય તેવા દ્રશ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો એકબીજા પર લાકડાના ફટકા અને ધોકા વડે તૂટી પડ્યા છે. જાહેરમાં થયેલા આ ધીંગાણાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મારામારીમાં બંને જૂથના એક-એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
