આ પ્રસંગે નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની વિશેષ ઉપસ્થિતિમાં અનેક વર્ષોથી લંબિત રહેલા કેસોનો સુખદ નિકાલ લાવી પક્ષકારોને ત્વરિત ન્યાય મળ્યો હતો. આ લોક અદાલતનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કાર્યકારી અધ્યક્ષ તથા નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ. વાય. કોગજે તેમજ નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ. પી. માયી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

લોક અદાલતમાં સમાધાનકારી અભિગમ

લોક અદાલતના માધ્યમથી ખાસ કરીને MACP (મોટર અકસ્માત વળતર) કેસોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હતી. આ અવસરે માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના હસ્તે પક્ષકારોને નીચે મુજબ વળતર રકમના ચેકો એનાયત કરવામાં આવ્યા હતા

રૂપિયા ૫૩,૦૦,૦૦૦/- (ત્રેપન લાખ) નો વળતર ચેક

રૂપિયા ૨૧,૦૦,૦૦૦/- (એકવીસ લાખ) નો વળતર ચેક

રૂપિયા ૨૧,૦૦,૦૦૦/- (એકવીસ લાખ) નો વળતર ચેક

પક્ષકારોને ઝડપથી ન્યાય મળ્યો છે

લોક અદાલતમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટ અને સમાધાનકારી અભિગમ અપનાવીને લાંબા સમયથી ચાલતા વિવાદોનો કાયમી અંત લાવવામાં આવ્યો હતો. જેના પરિણામે પક્ષકારોના સમય અને નાણાંની બચત થવાની સાથે કોર્ટ પરનો ભાર પણ ઘટ્યો છે. બોટાદ જિલ્લામાં યોજાયેલી આ લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ દરમિયાન નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત થયું છે. જિલ્લામાં પ્રિ-લિટિગેશનના ૧,૧૫૭ કેસ, લોક અદાલતમાં ૩૦૫ કેસ તેમજ સ્પેશિયલ સિટિંગમાં ૬,૩૦૪ કેસ મળી કુલ ૭,૭૬૬ કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. આ પ્રયોગથી પક્ષકારોને ઝડપથી ન્યાય મળ્યો છે તેમજ સમય અને ખર્ચની પણ બચત થઈ છે.

અદાલતના સ્ટાફના સહયોગથી આ લોક અદાલત સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લોક અદાલતના મહત્વ અંગે જણાવ્યું હતું કે લોક અદાલત સામાન્ય નાગરિક માટે ન્યાય મેળવવાનું સરળ અને ઝડપી માધ્યમ છે. અહીં કોઈની હાર કે જીત નથી હોતી, પરંતુ ‘ન્યાય’ની જીત થાય છે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ એમ. જે. પરાશર , જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણ સમયના સચિવ એચ. જે. બ્રહ્મભટ્ટ, જિલ્લાના તમામ ન્યાયિક અધિકારીઓ, જિલ્લા સરકારી વકીલ તેમજ બાર કાઉન્સિલ બોટાદના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ બાર એસોસિએશન તથા જિલ્લા અદાલતના સ્ટાફના સહયોગથી આ લોક અદાલત સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.


આ પણ વાંચો : Amreli News : અમરેલીના ઇંગોરાળા ગામે 200 લિટર નકલી દૂધ ઝડપાયું, વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી બનાવતા દૂધ