બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામ નજીક આજે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં કેટરિંગના કામ માટે જઈ રહેલી મહિલાઓથી ભરેલી એક પીકઅપ વાન અચાનક પલટાઈ ગઈ હતી. જે કારણે પીકઅપમાં સવાર 20થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ટાયર ફાટવાના કારણે પીકઅપ વાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે કારણે આ અકસ્માત સર્જાયો છે.
પીકઅપ વાનમાં 28 મહિલાઓ હતી સવાર
પ્રાપ્ત વિગતો અનુસાર, બોટાદ શહેરની કેટરિંગની કામગીરી સાથે સંકળાયેલી અંદાજે 28 જેટલી મહિલાઓ એક પીકઅપ વાનમાં સવાર થઈને કોઈ પ્રસંગના સ્થળે જઈ રહી હતી. રાણપુર તાલુકાના દેવળીયા ગામ નજીક હાઈવે પર પહોંચતા જ અચાનક વાહનનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે પીકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, અને સ્પીડમાં રહેલી વાન માર્ગ પર જ પલટાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, વાનમાં સવાર 20થી વધુ મહિલાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતમાં 20થી વધુ લોકોને ઈજા પહોંચી
સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્ત મહિલાઓને વાનમાંથી બહાર કાઢી હતી. ઈજાગ્રસ્ત થયેલી તમામ મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે રાણપુરની સ્થાનિક હોસ્પિટલ તેમજ વધુ ગંભીર ઈજાઓ ધરાવતા લોકોને બોટાદ અને ધંધુકા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સદનસીબે, કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ અકસ્માતમાં 20થી વધુ લોકોને ઈજા પહોંચી છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પોલીસે પીકઅપ વાનના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી છે. આ અકસ્માતે ફરી એકવાર વાહનોની ક્ષમતા કરતા વધુ પેસેન્જરોને બેસાડવાના જોખમ અને ડ્રાઇવિંગ દરમિયાન સલામતીના નિયમોના પાલન અંગે સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે
આ પણ વાંચો - Gandhinagar: ગુજરાત પોલીસ ભરતી 2024, લોકરક્ષકનું આખરી પરિણામ જાહેર, 11,899 ઉમેદવારો ઉત્તીર્ણ