બોટાદ જિલ્લામાં પાક નુકસાન સહાય મેળવવા ઈચ્છતા તમામ ખેડૂતો અંતિમ તા.૨૮-૧૧-૨૫ રાત્રે ૧૨ વાગ્યા સુધી અરજી કરી શકે છે. તેથી બાકી રહેતા તમામ ખેડૂતમિત્રોને તુરંત અરજી કરવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાય માટે કુલ ૭૦૧૩૪ અરજીઓ થઈ છે.


એક ખાતામાં એક જ ખેડૂત ફોર્મ ભરી શકશે

અત્રે મહત્વનું છે કે, કુલ ૩૦૮૪ ખેડૂતોને ૧૦.૫૦ કરોડ રૂપિયાની સીધી જ ચુકવણી કરવામાં આવી છે. મળેલ ગ્રાન્ટમાંથી બાકીના ખેડૂતોને ચુકવણીની પ્રક્રિયા ગતિમાં છે. ખેડૂતે પોતાના ગામમાં VCE (કોમ્પુટર ઓપરેટર) મારફત જ અરજી કરવાની રહે છે. અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ- આધાર કાર્ડ, ૭-૧૨,૮-અની નકલ, બેંક પાસબુક, વાવેતરનો દાખલો (તલાટીશ્રી પાસેથી મેળવવાનો રહેશે), સંમતિ પત્ર ( સંયુક્ત ખાતેદારના કિસ્સામાં), અરજી સાથે આ બધા જ ડોક્યુમેન્ટ ખેડૂતમિત્રોને જોડવાના રહેશે (ડોક્યુમેન્ટ વગર ફોર્મ સ્વીકારવામાં નહીં આવે)
ખાસ નોંધ એક ખાતામાં એક જ ખેડૂત ફોર્મ ભરી શકશે.

સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદાર ખેડૂતોએ પોતાની સહમતી આપવાની રહેશે

ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજુ કરાવવાનું રહેશે. તેમાંથી કોઈપણ એક જ વારસદાર ફોર્મ ભરી શકશે તથા બાકીના વારસદારો તથા અન્ય ખાતેદારોની સહમતિનું સોગંદનામું રજુ કરી અરજી કરી શકશે.સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ રાહત પેકેજનો લાભ મળવાપાત્ર નથી. ઓનલાઈન ફોર્મ ભરાયા જરૂરી સાધનિક કાગળો સાથેની અરજી ગ્રામ્ય કક્ષાએ પહોંચતી કરવી. ઉપરોક્ત સૂચનો ખાસ ધ્યાને લેવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા તમામ ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે.



  • Follow us on: