સુરતમાં સરથાણા બ્રિજ નીચે ગેરકાયદે રીતે રહેતા 140 લોકોને હટાવાયા છે, દારુ, ગાંજો, જુગારનો ખુલ્લેઆમ વેપલો ચાલતો હતો અને SMC અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી છે, રાજ્યમાં ડ્રગ્સ, દારૂ જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફગણો ફૂટ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર, ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

સુરતના વાયરલ વીડિયોમાં જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું

વીડિયોમાં 10 વર્ષનો છોકરો ખાટલા પર સૂતા સૂતા જાહેરમાં ગાંજો વેચતો હોવાનું અને બ્રિજ નીચે જ જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું. એટલું જ નહીં, સમગ્ર પ્રકરણમાં ભાજપના જ ધારાસભ્ય મેદાનમાં ઉતરી આવ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ કરેલા આક્ષેપોએ સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. જ્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી તાકીદે પગલાની માંગણી કરી હતી. ત્યાર બાદ સક્રિય થયેલા મનપા તંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું છે

વરાછા વિસ્તારમાં પાટીદાર યુવાનો દ્વારા નિર્મિત વરાછા ગૌરવ સમિતિએ સરથાણા બ્રિજ નીચે જાહેરમાં ચાલતા જુગાર, ગાંજાના વેપલા સામે બાંયો ચઢાવી છે. જાહેરમાં જુગારનો અડ્ડો ચાલતું હોવાનો અને જાહેરમાં ગાંજો વેચાતો હોવાનો વીડિયો બનાવી તે મારફતે સિસ્ટમ સામે સીધી આંગળી ચીંધવામાં આવી છે. આ બાબતે યુવાનોએ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળીને આવેદનપત્ર પણ આપ્યું હતું. મામલો એટલો ગંભીર થયો છે કે, વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ડ્રગ્સ, દારૂ, જુગારના વેપલાની ટકોર સાથે સણસણતા આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને તાકીદે બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની, ગેરકાયદે વસવાટ કરનારાઓને જગ્યાથી ખસેડવાની માંગણી કરી છે.

આ પણ વાંચો : Rajkot News : રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટર સાહેબ જુઓ કેવા આરામના મૂડમાં છે, દર્દીના સબંધીએ ડોકટરને કહ્યું. સારવાર તો આપો