બોટાદ જિલ્લાના રાણપુર નજીક આવેલી કિનારા ચોકડી પાસે આજે ટ્રક અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 4 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ઈકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ખેતીકામે આવતા શ્રમિકોને નડ્યો કાળ
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો ગાડી (નંબર: MP 09 DK 4398) માં સવાર મુસાફરો મૂળ મધ્યપ્રદેશના પનાલા ગામના શ્રમિકો હતા. આ શ્રમિકો રાણપુરના કુંડળી ગામે ખેતીવાડીના મજૂરીકામે આવી રહ્યા હતા, ત્યારે કિનારા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે તેમની કારની ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ, રાણપુર પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં 3 શ્રમિકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 4 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.રાણપુર પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. મજૂરીકામે આવી રહેલા ગરીબ શ્રમિક પરિવાર પર ત્રાટકેલા આ કાળથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો:Ahmedabad: રિવરફ્રન્ટ પર પોલીસની બિનસત્તાવાર વિદાય પાર્ટી, AMCની મંજૂરી વગર નિયમોના ઉડ્યા ધજાગરા