ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બોટાદમાં જૈન સમાજ એક્શન મોડમાં આવ્યો છે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં જૈન સમાજને ભાજપ દ્વારા વધુ પ્રતિનિધિત્વ અને ટિકિટો આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. આ સંદર્ભે બોટાદના ત્રણેય જૈન સંઘોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના શહેર પ્રમુખને બોલાવીને રજૂઆત કરવામાં આવી હતી.
ત્રણેય જૈન સંઘના આગેવાનો એક મંચ પર
બોટાદમાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર એમ ત્રણેય જૈન સંઘોની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ ઐતિહાસિક બેઠકમાં શહેરના 6 મુખ્ય દેરાસરોના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર્સ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજે એકસૂરે સ્વીકાર્યું હતું કે, બોટાદ શહેરમાં જૈન સમાજનું મોટું મતદાન હોવાથી નગરપાલિકામાં પણ સમાજનું યોગ્ય પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે.
