ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવતા જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા જાંબુડા ગામ પાસેથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
29 હજારથી વધુ બોટલો ઝડપાઈ
LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાંબુડા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ટ્રકને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 29,243 બોટલો મળી આવી હતી.
