બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સરકારી અનાજના ગોડાઉનને નિશાન બનાવતી તસ્કર ટોળકીનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. સાળંગપુર રોડ પર આવેલા સરકારી ગોડાઉનમાંથી મોટા પાયે ચણાની બોરીઓની ચોરી કરનાર 6 રીઢા શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના ચણા અને ગુનામાં વપરાયેલી રીક્ષા સહિત કુલ રૂ. 2,93,460નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગોડાઉનની પાછળ ખાડો કરીને આચરી હતી ચોરી
ઘટનાની મળતી માહિતી મુજબ, ગત 28 મેના રોજ બોટાદના સાળંગપુર રોડ પર આવેલા સરકારી અનાજના ગોડાઉનને આ ચોર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. શાતિર ચોરોએ ગોડાઉનની પાછળના ભાગે મોટું ગાબડું પાડી દીધો હતો અને અંદર પ્રવેશી સરકારી ચણાની કુલ 120 બોરીઓ (આશરે 188 મણ ચણા) ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સરકારી ગોડાઉનમાંથી આટલી મોટી માત્રામાં જથ્થો ગાયબ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
LCBની ટીમની બાતમીના આધારે 6 આરોપીઓ ઝબ્બે
આ ચોરીનો ભેદ ઉકેલવા માટે બોટાદ LCBની ટીમે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી અને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસે વોચ ગોઠવીને ચોરીમાં સામેલ 6 શખ્સોની અટકાયત કરી હતી.
પકડાયેલા આરોપીઓની યાદી
- સાહીર અબ્બાસ વહોરા
- શબ્બીર ઉર્ફે ભૂરો મહમદ ખત્રી
- રમજાન રફિક કુરેશી
- અલફેજ કાસમ કારવા
- મહેમુદ ઈકબાલ કારીયાણીયા
- અક્રમ અલારખ ભાસ
ચોરીના ચણા અને રીક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસ સ્ટેશને લાવીને જ્યારે આ તમામ શખ્સોની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેમણે સરકારી ગોડાઉનમાંથી જ ચણાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી ચોરી કરાયેલા 188 મણ ચણા અને હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રીક્ષા મળીને કુલ રૂ. 2,93,460 નો મુદ્દામાલ કબજે કર્યો છે. બોટાદ પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આ ટોળકી અગાઉ અન્ય કોઈ ચોરીમાં સામેલ છે કે કેમ તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો - Botad News: સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના પાર્કિંગમાં કાર ભડકે બળી